વિસાવદરમાં ખાબક્યો 15 ઈંચ, છેલ્લાં 24 કલાકમાં 189 તાલુકાઓ મેઘમહેરથી પાણી-પાણી, જાણો ક્યાં કેટલો વરસાદ?

ગુજરાતમાં બરાબરનો ‘અષાઢ જામ્યો’ છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેહુલિયાએ ભારે હેત વરસાવ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોઈ રાજ્યના 207 મોટા જળાશયો પૈકી સૌથી મોટા જળાશય સરદાર સરોવરમાં હાલ 52.49 ટકા એટલે કે 4965.10 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ ગયો છે. જ્યારે કચ્છના 4 અને જામગનરના 3 જળાશયો 90 ટકા ભરાતા તેને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 189 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઠેર-ઠેર ભારે વરસાદથી નદી-નાળા તથા તળાવ વગેરે જગ્યાઓ પર નવા નીરની આવક થઈ ગઈ છે. રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો, તે પછી ફરીવાર ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ જામ્યો છે.

જૂનાગઢમાં વિસાવદરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરમાં 11 ઈંચ, અંજારમાં 9.5 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ખેરગામમાં સવા 8 ઈંચ, ભેસાણમાં 8 ઈંચ, બગસરામાં પોણા 8 ઈંચ, ધરમપુરમાં સવા 6 ઈંચ, વઘઈમાં સવા 6 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, ચીખલીમાં પોણા 6 ઈંચ, વાંસદામાં પોણા 6 ઈંચ, જામકંડોરણામાં પોણા 6 ઈંચ, બરવાળામાં પોણા 6 ઈંચ, રાજુલામાં 5.5 ઈંચ, વંથલીમાં 5.5 ઈંચ, વલસાડમાં સવા 5 ઈંચ, જૂનાગઢમાં 5 ઈંચ, વ્યારામાં પોણા 5 ઈંચ, બારડોલીમાં પોણા 5 ઈંચ અને ગાંધીધામમાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લાઓના ગામોનો સંપર્ક તૂટ્યો છે. કેટલાક ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સુ તમે ને કહાનિયો વાંચવા માં મજા આવે છે.ભારે વરસાદને લઈને વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાત્રે મુલાકાત લીધી હતી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *